લગ્ન પ્રસંગ માં ગવાતા ફટાણા જેવા સુંદર લગ્નગીત ગુજરાતી pdf ૨૦૨૪ અહીં સૌ કોઈ માટે રજુ કરેલ છે.
અગર જો લગ્ન પ્રસંગ માં ગીત ના ગવાય તો એ લગ્ન પ્રસંગ માં ઉમંગ અને ઉત્સાહ ક્યારેય ના ચઢે. ગીત ના રણકાર પર બધા ડાન્સ ગરબા અને હસીમજાક પણ કરતા હોઈ છે. જેનો આનંદ ખુબ આવતો હોઈ છે.
લગ્ન પ્રસંગ ની સીઝન શરુ થાય કે બહેનો બધા અગાઉં થી ઘરે ગીત ગાવાની પ્રેકટીસ શરુ કરી દેતા હોઈ છે. અને અલગ અલગ ગીત ગાવા માટે તૈયારી કરે છે. આ માટે જરૂરી લગ્ન ગીત આ આર્ટિકલ માં pdf ના રૂપ માં મોબાઈલ માં પણ સાચવી શકાય એ રીતે સુંદર ડિજાઇન પૃષ્ટ પર બનાવેલ છે.
લગ્નગીત ગુજરાતી માં
લગ્નગીત ગુજરાતી pdf ૨૦૨૪ અહીં સૌ કોઈ માટે રજુ કરેલ છે. pdf મેળવવા માટે આર્ટિકલ માં નીચે સુધી જાઓ.
1.કંકુ છાંટી કંકોતરી મોકલો
કંકુ છાંટી કંકોતરી મોકલો એમાં લખજો અમીબેનનાં નામ રે લગન આવ્યાં ઢૂંકડાં |
બેનના દાદા આવ્યા ને દાદી આવશે બેનના માતાનો હરખ ન માય રે લગન આવ્યાં ઢૂંકડાં |
બેનના કાકા આવ્યા ને કાકી આવશે બેનના ફૈબાનો હરખ ન માય રે લગન આવ્યાં ઢૂંકડાં |
બેનના મામા આવ્યા ને મામી આવશે બેનના માસીબાનો હરખ ન માય રે લગન આવ્યાં ઢૂંકડાં |
બેનના વીરા આવ્યા ને ભાભી આવશે બેનની બેનીનો હરખ ન માય રે લગન આવ્યાં ઢૂંકડાં |
2. તને સાચવે સીતા સતી
તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી |
માના ખોળા સમું આંગણું તે મૂક્યું બાપના મન સમું બારણું તે મૂક્યું |
તું તો પારકા ઘરની થતી અખંડ સૌભાગ્યવતી તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી |
ભગવાનને આજ ભળાવી દીધી વિશ્વાસ કરીને વળાવી દીધી |
તારો સાચો સગો છે પતિ અખંડ સૌભાગ્યવતી તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી |
3.એક સોળ વરસની છોકરીને અંબોડાનો શોખ!
એક સોળ વરસની છોકરીને અંબોડાનો શોખ! ઝીણું ઝીણું મનમાં થાયે ગજરો નાંખે કોક! |
રોજ સવારે દર્પણ સાથે મોઘમ વાતો થાય, આગળ પાછળ જોતી પોતે અચરજથી શરમાય, કોણી મારી સખીઓ સાથે કરતી નોકઝોક. એક સોળ વરસની છોકરીને અંબોડાનો શોખ! |
કલકલ વહેતું ઝરણું જાણે ધીર નદી થઈ જાય, તરવૈયાની હોડ મચી પણ રાતાં જળ વહી જાય, જાણે કયારે આવે દરિયાને મળવાનો યોગ. એક સોળ વરસની છોકરીને અંબોડાનો શોખ! |
બદલાતી મોસમની ભીની અસર ભીતર વરતાય, આંખો ચમકે, હૈયું થરકે, અંગ અંગ લહેરાય, ભીતર ભીતર ભીંજાતી પણ સમજી શકે ના લોક. એક સોળ વરસની છોકરીને અંબોડાનો શોખ! |
4.આંખો લૂછી લે બેની આજ ના રોવાય
આંખો લૂછી લે બેની આજ ના રોવાય દીકરી ને ગાય જ્યાં દોરે ત્યાં દોરાય આંખો લૂછી લે બેની… |
માતાની મમતાનું ઓઢ્યું રે પાનેતર અખંડ સુહાગ ચૂડી ચાંદલો જીવનભર ઢોલ ઢબૂક્યાં ને વાગે વાગે શરણાઈ દીકરી ને ગાય જ્યાં દોરે ત્યાં દોરાય આંખો લૂછી લે બેની… |
કાબી ને કડલાં, ટીલડી ને ઝાંઝર દલ ભરી દાદાએ દીધાં કરિયાવર વસમી વિદાય એવી બોલ્યું ના બોલાય દીકરી ને ગાય જ્યાં દોરે ત્યાં દોરાય આંખો લૂછી લે બેની… |
5.મોટા માંડવડા રોપાવો
મોટા માંડવડા રોપાવો, ઝીણી છાજલીએ છવરાવો માણારાજ માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ |
વીરના દાદાને તેડાવો, વીરની માતાને તેડાવો માણારાજ માણેકથંભ મોતીડે વધાવો માણારાજ હોંશો મોભી પરણાવો માણારાજ |
મોટા માંડવડા રોપાવો, ઝીણી છાજલીએ છવરાવો માણારાજ માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ |
વીરના વીરાને તેડાવો, વીરની ભાભીને તેડાવો માણારાજ હોંશે બાંધવ પરણાવો માણારાજ માણેકથંભ મોતીડે વધાવો માણારાજ હરખે માંડવડો વધાવો માણારાજ |
વીરના મામાને તેડાવો, વીરની મામીને તેડાવો માણારાજ હોંશે ભાણેજ પરણાવો માણારાજ માણેકથંભ મોતીડે વધાવો માણારાજ હરખે માંડવડો વધાવો માણારાજ |
6.મહેલ ચણાવોને મેડી ચણાવો
મહેલ ચણાવોને મેડી ચણાવો ખારેકોને ખૂંટીઓ મૂકાવો પીઊડાજી આજ મારે પગરણજી. |
સાસુ તેડાવોને, નણદી તેડાવો જેઠાણીને વેગે તેડાવો પીઊડાજી આજ મારે પગરણજી. |
સાસુને સાડીને, નણંદીને છાયલ જેઠાણીને દક્ષણીના ચીર પીઊડાજી આજ મારે પગરણજી. |
સાસુને લાપસીને નણંદીને કંસાર જેઠાણીને પાંચ પકવાન પીઊડાજી આજ મારે પગરણજી. |
સાસુને ઓરડો ને નણંદીને પરસાળ જેઠાણીને મેડીબંધ મહેલ પીઊડાજી આજ મારે પગરણજી. |
સાસુ લઈ જાશે ને નણંદી ખાઈ જાશે જેઠાણીના ઉછીના વળશે પીઊડાજી આજ મારે પગરણજી…. |
7.પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા 2
પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા ગણેશની સ્થાપના કરાવો રે મારા ગણેશ સૂંઢાળા |
તેત્રીસ કરોડ દેવતા સીમડીએ આવ્યાં હરખ્યાં ગોવાળિયાનાં મન રે, મારા ગણેશ દુંદાળા |
તેત્રીસ કરોડ દેવતા વાડીએ પધાર્યા હરખ્યાં માળીડાનાં મન રે, મારા ગણેશ દુંદાળા |
તેત્રીસ કરોડ દેવતા સરોવર પધાર્યા હરખ્યાં પાણિયારીઓનાં મન રે, મારા ગણેશ દુંદાળા |
તેત્રીસ કરોડ દેવતા શેરીએ પધાર્યા હરખ્યાં પાડોશીઓનાં મન રે, મારા ગણેશ દુંદાળા |
તેત્રીસ કરોડ દેવતા તોરણે પધાર્યા હરખ્યાં સાજનિયાંનાં મન રે, મારા ગણેશ દુંદાળા |
તેત્રીસ કરોડ દેવતા માંડવે પધાર્યા હરખ્યાં માતાજીનાં મન રે, મારા ગણેશ દુંદાળા |
તેત્રીસ કરોડ દેવતા માયરે પધાર્યા હરખ્યાં વરકન્યાનાં મન રે, મારા ગણેશ દુંદાળા |
8. પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા
પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા |
કૃષ્ણની જાને રૂડાં ઘોડલા શણગારો ધોડલે પિત્તળિયાં પલાણ રે મારા ગણેશ દુંદાળા કૃષ્ણની જાને રૂડાં હાથીડા શણગારો હાથીડે લાલ અંબાડી રે મારા ગણેશ દુંદાળા |
કૃષ્ણની જાને રૂડાં જાનીડાં શણગારો જાનડી લાલ ગુલાલ રે મારા ગણેશ દુંદાળા કૃષ્ણની જાને રૂડાં ધોરીડાં શણગારો ધોરીડે બબ્બે રાશું રે મારા ગણેશ દુંદાળા |
કૃષ્ણની જાને રૂડી વેલડિયું શણગારો વેલડિયે દશ આંટા રે મારા ગણેશ દુંદાળા વાવલિયા વાવ્યાં ને મેહુલા ધડૂક્યાં રણ રે વગડામાં રથ થંભ્યા રે મારા ગણેશ દુંદાળા |
તૂટ્યાં તળાવ ને તૂટી પીંજણિયું ધોરીડે તૂટી બેવડ રાશું રે મારા ગણેશ દુંદાળા ઊઠો ગણેશ ને ઊઠો પરમેશ્વર તમે આવ્યે રંગ રે’શે રે મારા ગણેશ દુંદાળા |
અમે રે દુંદાળા ને અમે રે ફાંદાળા અમ આવ્યે તમે લાજો રે મારા ગણેશ દુંદાળા અમારે જોશે સવા મણનો રે લાડુ અમે આવ્યે વેવાઈ ભડકે રે મારા ગણેશ દુંદાળા |
વીવા, અઘરણી ને જગવને જનોઈ પરથમ ગણેશ બેસાડું રે મારા ગણેશ દુંદાળા |
9. દાદે તે હસીને બોલાવિયાં
એક તે રાજને દ્વારે રમંતા બેનીબા, દાદે તે હસીને બોલાવિયાં |
કાં કાં રે દીકરી તમારી દેહ જ દુબળી, આંખલડી રે જળે તે ભરી નથી નથી દાદા મારી દેહ જ દુબળી, નથી રે આંખલડી જળે ભરી |
એક ઊંચો તે વર ના જોશો રે દાદા, ઊંચો તો નિત્ય નેવાં ભાંગશે એક નીચો તે વર ના જોશો રે દાદા, નીચો તો નિત્ય ઠેબે આવશે |
એક ધોળો તે વર ના જોશો રે દાદા, ધોળો તે આપ વખાણશે એક કાળો તે વર ના જોશો રે દાદા, કાળો તે કુટુમ્બ લજાવશે |
એક કેડે પાતળિયો ને મુખે રે શામળિયો તે મારી સૈયરે વખાણિયો |
એક પાણી ભરતી તે પાણીઆરીએ વખાણ્યો ભલો તે વખાણ્યો મારી ભાભીએ |
10.અમ્મારી બેની ને તમે કાઈ ના કેજો
અમ્મારી બેની ને તમે કાઈ ના કેજો… અમ્મારી બેની ને તમે કાઈ ના કેજો… |
દોષ ના જોજો એને વેરના કેજો… અમ્મારી બેની ને તમે કાઈ ના કેજો… |
ચૂલાનો ભટિયારો એની સાસુ ને દેજો… લડવા ચીની ના એની જેઠાણી ને દેજો… અમ્મારી બેની ને તમે કાઈ ના કેજો… |
પાણી નો બેડો એની દેરાણી ને દેજો… અમ્મારી બેની ને તમે કાઈ ના કેજો… |
હિંડોળા ની દોરી ઓલા રમીલા બેન ને દેજો… તિજોરી ની ચાવી અમારા આરતી બેન ને દેજો… ફેશન આવી…. ફેશન આવી. . . . ફેશન કરવા દેજો… અમ્મારી બેની ને તમે કાઈ ના કેજો… |
આઠ વાગે ઉઠશે નવ વાગે ઉઠશે ચા બનાવી દેજો… અમ્મારી બેની ને તમે કાઈ ના કેજો… |
બરફી ખાશે પેંડા ખાશે પીઝા ખાવા દેજો… અમ્મારી બેની ને તમે કાઈ ના કેજો… |
ભાર વિનાનું ભણતર ભાઈ ભાર વિનાનું ભણતર… એકડો આવડ્યો…બગડો આવડ્યો… તગડા નો પત્તો…નઈ નઈ નઈ નઈ… એકડો આવડ્યો…બગડો આવડ્યો… તગડા નો પત્તો… નઈ નઈ નઈ નઈ… અમ્મારી બેની ને તમે કાઈ ના કેજો… |
11.કોયલ બેઠી આંબલિયાની ડાળ
કોયલ બેઠી આંબલિયાની ડાળ, મોરલિયો બેઠો રે ગઢને કાંગરે |
હોશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ |
કોયલ માંગે કડલાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી કોયલને ઉડાડી આપણે દેશ, મોરલિયો માંગે રે લાડણ લાડલી |
કોયલ માંગે ચૂડલાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી કોયલ માંગે ઝૂમખાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી |
કોયલ માંગે નથડીની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી કોયલ માંગે હારલાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી |
12.ગુલાબ વાડી ચૌટ્ટામાં રોપાવો રે
ગુલાબ વાડી ચૌટ્ટામાં રોપાવો રે, (2) એવી એવી જુગતીમાં લાડકડી પરણાવો રે ગુલાબવાડી.. |
ગુલાબવાડી હો..હો…હો.. (3) ચૌટ્ટામાં રોપાવો રે, |
રૂપિયા જુએતો મારા કાકાજીના લેજોરે, (2) એવી એવી જુગતીમાં લાડકડી પરણાવો રે ગુલાબવાડી… |
ગુલાબવાડી હો..હો… હો.. (૩) ચૌટ્ટામાં રોપાવો રે, |
હાથીડા જુએતો મારા દાદાજીના લેજોરે, (2) એવી એવી જુગતીમાં લાડકડી પરણાવો રે ગુલાબવાડી… |
ગુલાબવાડી હો..હો…હો.. (૩) ચૌટ્ટામાં રોપાવો રે, |
ઢોલીડા જુએતો મારા મામાજીના લેજોરે, (2) એવી એવી જુગતીમાં લાડકડી પરણાવો રે ગુલાબવાડી… |
ગુલાબવાડી હો..હો…હો.. (3) ચૌટ્ટામાં રોપાવો રે, |
ઘોડલા જુએતો મારા વિરાજીના લેજોરે, (2) એવી એવી જુગતીમાં લાડકડી પરણાવો રે ગુલાબવાડી… |
ગુલાબવાડી હો..હો… હો.. (3) ચૌટ્ટામાં રોપાવો રે, |
13.મને રૂપાની ઝાંઝરી ઘડાવ, હો વાલમ વરણાગી
મને રૂપાની ઝાંઝરી ઘડાવ, હો વાલમ વરણાગી એને મીનાકારીથી મઢાવ, હો વાલમ વરણાગી. |
આભલા ભરેલી મને ઓઢણી અપાવી દે, ઘાઘરાની કોરમાં મોરલો ચિતરાવી દે, મારા કમખામાં ભાત્યું પડાવ, હો વાલમ … |
ઝીણીઝીણી પાંદડીની નથડી ધડાવી દે, ગૂંથેલા કેશમાં દામડી સજાવી દે, મારા ડોકની હાંસડી બનાવ, હો વાલમ… |
રૂપા ઈંઢોણી ત્રાંબા ગરબો કોરાવી દે, ગરબામાં મમતાથી દિવડા પ્રગટાવી દે, ઢોલ ત્રાંસા શરણાઈ મંગાવ, હો વાલમ… |
મને રૂપાની ઝાંઝરી ધડાવ, હો વાલમ વરણાગી એને મીનાકારીથી મઢાવ, હો વાલમ વરણાગી. |
14.મોર તારી સોનાની ચાંચ
મોર તારી સોનાની ચાંચ… મોર તારી રૂપાની પાંખ સોનાની ચાંચે રે મોરલો મોતી ચરવા જાય… રૂપા કેરી પાંખે રે મોરલો મોતી વીણવા જાય… |
મોર જાજે ઊગમણે દેશ… મોર જાજે આથમણે દેશ વળતો જાજે વેવાયુંને માંડવે હો રાજ |
વેવાઈ મારા સૂતો છે કે જાગ, વેવાઈ મારા સૂતો છે કે જાગ મારા હોસીલા વરરાજે સીમડી ઘેરી માણારાજ સીમડીએ કાંઈ ચમર ઢોળાવ (૨) ચમરનો હોંશી વીરો મારો આવ્યો માણારાજ |
વેવાઈ મારા સૂતો હોય તો જાગ, વેવાઈ મારા સૂતો હોય તો જાગ મારા હોસીલા વરરાજે ઝાંપલા ઘેર્યા માણારાજ ઝાંપે કાંઈ છાંટણાં છંટાવ (૨) ઠંડકુંનો હોશી વીરો મારો આવે માણારાજ |
વેવાઈ મારા સૂતો હોય તો જાગ, વેવાઈ મારા સૂતો હોય તો જાગ મારા હોસીલા વરરાજે શેરીયું ઘેરી માણારાજ શેરીએ કાંઈ ફૂલડાં પથરાવ (૨) સુગંધીનો હોંશી વીરો મારો આવે માણારાજ |
વેવાઈ મારા સૂતો હોય તો જાગ, વેવાઈ મારા સૂતો હોય તો જાગ મારા હોસીલા વરરાજે માંડવો ઘેર્યો માણારાજ માંડવડે કાંઈ લાડકી પધરાવ (૨) લાડકીનો હોંશી વીરો મારો આવે માણારાજ |
15.પહેલું પહેલું મંગળિયું વરતાય રે
પહેલું પહેલું મંગળિયું વરતાય રે પહેલે મંગળ ગાયોનાં દાન દેવાય રે અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે બન્ને પક્ષે આનંદ અતિ ઊભરાય રે |
બીજું બીજું મંગળિયું વરતાય રે બીજે મંગળ રૂપાનાં દાન દેવાય રે માંડવડામાં મંગળ ગીતો ગવાય રે સૌને હૈયે અતિ હરખ ન માય રે |
ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે ત્રીજે મંગળ સોનાનાં દાન દેવાય રે અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે બન્ને પક્ષે આનંદ અતિ ઊભરાય રે |
ચોથું ચોથું મંગળિયું વરતાય રે ચોથે મંગળ કન્યાનાં દાન દેવાય રે ફૂલડાં કેરી ફોરમ બધે પ્રસારાય રે શુભ દિન આજે શુકનનો કહેવાય રે |
16.નદીને કિનારે રાયવર પતંગ ઉડાવે
નદીને કિનારે રાયવર પતંગ ઉડાવે |
આવ્યો વાયરાનો ઝોલો તૂટ્યો પતંગનો દોરો દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાવે |
નદીને કિનારે રાયવર પતંગ ઉડાવે |
દોશીડાને હાટે વીરો ચૂંદડિયું મૂલવે પહેરો નાની વહુરાણી લાવ્યો તમારો સ્વામી દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાવે |
નદીને કિનારે રાયવર પતંગ ઉડાવે |
મણીયારાને હાટે વીરો ચુડલો મૂલવે પહેરો નાની વહુરાણી લાવ્યો તમારો સ્વામી દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાવે |
નદીને કિનારે રાયવર પતંગ ઉડાવે |
સોનીડાને હાટે વીરો હારલા મૂલવે પહેરો નાની વહુરાણી લાવ્યો તમારો સ્વામી દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાવે |
નદીને કિનારે રાયવર પતંગ ઉડાવે |
કડી કેસરનો વીરો કડલો તે મૂલવે પહેરો નાની વહુરાણી લાવ્યો તમારો સ્વામી દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાવે |
નદીને કિનારે રાયવર પતંગ ઉડાવે |
આવ્યો વાયરાનો ઝોલો તૂટ્યો પતંગનો દોરો દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાવે |
નદીને કિનારે રાયવર પતંગ ઉડાવે |
17.કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે |
હું કેમ આવું? મારા દાદાજી રીસાણા રે તમારા દાદાને પાઘડી પહેરામણી, તમે રાયવર વહેલાં આવો રે |
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે |
હું કેમ આવું? મારા પિતાજી રીસાણા રે તમારા પિતાને ખેસની પહેરામણી, તમે રાયવર વહેલાં આવો રે |
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે |
હું કેમ આવું? મારા માતાજી રીસાણા રે તમારી માતાને સેલાની પહેરામણી, તમે રાયવર વહેલાં આવો રે |
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે |
હું કેમ આવું? મારા બેનીબા રીસાણા રે તમારી બેનીને સોળે શણગાર, તમે રાયવર વહેલાં આવો રે |
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે |
હું કેમ આવું ? મારા વીરાજી રીસાણા રે તમારા વીરાને સુટની પહેરામણી, તમે રાયવર વહેલાં આવો રે |
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે |
18.ઉંચા ઉંચા બંગલા બનાવો
ઉંચા ઉંચા બંગલા બનાવો, દાદા કાચની બારીયુ, મેલાવો રે, કે બેની મારી ઝગ-મગ ઝગમગ થાય, (2) |
દાદા વિના કેમ ચાલશે હો રાજ, (2) દાદી…….. બેન તો હોય તમારી સાથ, કે બેની મારી ઝગ-મગ ઝગમગ થાય, (2) ઉંચા ઉંચા… |
કાકા વિના કેમ ચાલશે હો રાજ, (2) કાકી…….. બેન હોય તમારી સાથ, કે બેની મારી ઝગ-મગ ઝગમગ થાય, (2) ઉંચા ઉંચા… |
મહેંદી ભરેલા પગલા માંડો આજ, (2) તમારા પીઠી વાળા હાથને શણગારો રે, કે બેની મારી ઝગ-મગ ઝગમગ થાય, (2) ઉંચા ઉંચા… |
આછે રા ઘુંઘટડાને લાજ, (2) એવા ઘુંઘટને ટાક્યા તમરા રૂપ રે, કે બેની મારી ઝગ-મગ ઝગમગ થાય, (2) ઉંચા ઉંચા… |
19.કંકુ છાટી કંકોતરી મોકલો
કંકુ છાટી કંકોતરી મોકલો… કેસર છાટી કંકોતરી મોકલો… |
એમાં લખજો મારી લાડકડીનું બેની બા નું નામ રે માણેકથંભ રોપિયો |
કંકુ છાટી કંકોતરી મોકલો… કેસર છાટી કંકોતરી મોકલો… |
એમાં લખજો મારા લાડકડાનું ભૈલું નું નામ રે માણેકથંભ રોપિયો |
પહેલી કંકોતરી માતાજી ને મોકલજો… પહેલી કંકોતરી માતાજી ને મોકલજો… માં ને કેજો કે ગણેશ તેડાવો રે… માણેકથંભ રોપિયો… |
કંકુ છાટી કંકોતરી મોકલો… કેસર છાટી કંકોતરી મોકલો… |
બીજી કંકોતરી કાકા ઘેર મોકલજો… બીજી કંકોતરી કાકા ઘેર મોકલજો… કાકા હોંશે ભત્રિજી પરણાવો રે… માણેકથંભ રોપિયો… |
કંકુ છાટી કંકોતરી મોકલજો… કેસર છાટી કંકોતરી મોકલજો… |
ત્રીજી કંકોતરી મામા ઘેર મોકલજો… ત્રીજી કંકોતરી મામા ઘેર મોકલજો… મામા વેહલા મોસાળા લઈ આવો રે માણેકથંભ રોપિયો… |
કંકુ છાટી કંકોતરી મોકલજો… કેસર છાટી કંકોતરી મોકલી.. |
ચોથી કંકોતરી માસી ઘેર મોકલજો… ચોથી કંકોતરી માસી ઘેર મોકલજો… માસી હરખે ભાણેજ પરણાંવો રે માણેકથંભ રોપિયો.. |
કંકુ છાટી કંકોતરી મોકલજો… કેસર છાટી કંકોતરી મોકલી.. |
એમાં લખજો મારી લાડકડીનું બેની બા નું નામ રે માણેકથંભ રોપિયો.. |
કંકુ છાટી કંકોતરી મોકલો… કેસર છાટી કંકોતરી મોકલો… કંકુ છાટી કંકોતરી મોકલો… કેસર છાટી કંકોતરી મોકલો… |
20. આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ હે શરણાયું ને ઢોલ નગારા, શરણાયું ને ઢોલ. |
આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે, સખી, રઢિયાળી રઢિયાળી કહો વાતડી રે; મને આંખડીમાં દીધાં ખુલ્લા જન્મોનાં કોડ, વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ… આજ |
આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે. હું કે દી રંગાણી એના રંગમાં રે.. હું તો બંધાણી સખી એની નજર્યું ને દોર.. વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ… આજ |
21.લાલ મોટર આવી
લાલ મોટર આવી મુંબઈથી ગજરા લાવી મારા ભાભી સાસરીયે લીલાલહેર છે. |
મોટરમાં ભર્યા ગોટા જાનૈયા બધા મોટા મારા ભાભી સાસરીયે લીલાલહેર છે. |
મોટરમાં ભરી ખુરશી જાનૈયા બધા મુનશી મારા ભાભી સાસરીયે લીલાલહેર છે. |
મોટરમાં ભર્યા રીંગણાં જાનૈયા બધા ઠીંગણા મારા ભાભી સાસરીયે લીલાલહેર છે. |
મોટરમાં ભર્યા ગાભા જાનૈયા બધા ભાભા મારા ભાભી સાસરીયે લીલાલહેર છે. |
22.આવી આવી મોટા ઘરની જાન
આવી આવી મોટા ઘરની જાન, વર આવ્યો કેસરીયો (2) મસ્તીમાં છે સૌ ગુલતાન, કે વર આવ્યો કેસરીયો, |
વરનું મુખ ચંદરવા જેવું રૂપાળુ, માંડવામાં આવ્યાને થયુ અજવાળુ, સૌ જાનડીયુ ગાય મંગળ ગાન, કે વર આવ્યો કેસરીયો, આવી….. |
વરની સંગે અણવર મુખડુ મલકાવતો, વરની આજ્ઞાને એ માથે ચડાવતો, સૌને ખવડાવે તંબોડી-પાન, કે વર આવ્યો કેસરીયો, આવી….. |
વરના કાકા-કાકી ભત્રીજા પરણાવે, વરના મામા-મામી ભાણેજ પરણાવે, સૌને વરની માં દેતી બહુમાન, કે વર આવ્યો કેસરીયો, આવી….. |
નવલા વેવાણ આજ મસ્તીમાં રાચતા, જાનડીયુ સંગેએ થનગનાટ નાચતા, રાખે ઉંચી કુટુંબની શાન, કે વર આવ્યો કેસરીયો, આવી….. |
23.સીતાને તોરણ રામ પધાર્યાં
સીતાને તોરણ રામ પધાર્યાં, લેજે પનોતી પહેલું પોખણું પોંખતાને વરની ભમર ફરકી, આંખલડી રતને જડી રવાઈએ વર પોખો પનોતા, રવાઈએ ગોરી સોહામણા |
સીતાને તોરણ રામ પધાર્યાં, લેજે પનોતી બીજું પોખણું ધોસરિયે વર પોંખો પનોતા, ધોસરિયે ગોરી સોહામણા |
સીતાને તોરણ રામ પધાર્યાં, લેજે પનોતી ત્રીજું પોખણું ત્રાંકે વર પોંખો પનોતા, ત્રાંકે રેટિયાં સોહામણા |
સીતાને તોરણ રામ પધાર્યાં, લેજે પનોતી ચોથું પોખણું પિંડીએ વર પોખો પનોતા, પિંડીએ હાથ સોહામણા |
24.મારા નખના પરવાળા જેવી ચૂંદડી
મારા નખના પરવાળા જેવી ચૂંદડી મારી ચૂંદડીનો રંગ રાતો હો લાડલી ઓઢોને સાહેબજાદી ચૂંદડી |
હું તો કેમ કરી ઓઢું રે સાયબા ચૂંદડી મારા દાદાજી દેખે માતાજી દેખે કેમ રે ઓઢું રે સોરંગ ચૂંદડી |
તમારા દાદાના તેડ્યા અમે આવશું તમારી માતાના મન મોહશે હો લાડલી ઓઢોને લાડકવાયી ચૂંદડી |
હું તો કેમ કરી ઓઢું રે સાયબા ચૂંદડી મારા વીરોજી દેખે ભાભી દેખે કેમ રે ઓઢું રે સોરંગ ચૂંદડી |
તમારા વીરાના તેડ્યાં અમે આવશું તમારી ભાભીના ગુણલાં ગાશું હો લાડલી ઓઢોને સાહેબજાદી ચૂંદડી |
25.આંગણીયા સજાવો આજ તોરણ બંધાવો
આંગણીયા સજાવો આજ તોરણ બંધાવો (2) હૈ, જી… ઢોલીડા વગડાવો આજ (ચોઘડિયા ગગડાવો) |
ધીન ધીન વાગે ઢોલને શરણાઈ મીઠી વાગે ચોકે બાંધ્યા ચંદરવાને રૂમઝૂમ ઝાંઝર વાગે હે જી છાંટણીયા છટાવ્યા આજ તોરણ બંધાવો (ચોઘડિયા ગગડાવો) |
મહેકી ઉઠ્યો માંડવડો ને મંગળ ગીત ગવાય એક મેકના મન મળે ને હૈયે સહુ હરખાય હે.. જી ફૂલડેથી વધાવો આજ તોરણ બંધાવો (ચોઘડિયા ગગડાવો) |
26.ગોર કરોને ઉકેલ ગોર લટપટિયા
ગોર કરોને ઉકેલ ગોર લટપટિયા મારે છેટાંની છે જાન ગોર લટપટિયા મારે થાય છે અહૂર ગોર લટપટિયા |
ગોરને હાંડા જેવડું માથું ગોર લટપટિયા ગોરને નળિયા જેવડું નાક ગોર લટપટિયા |
ગોરને કોડાં જેવડી આંખ્યું ગોર લટપટિયા ગોરને કોડિયાં જેવડા કાન ગોર લટપટિયા |
ગોરને સૂપડાં જેવા હોઠ ગોર લટપટિયા ગોરને ફળિયા જેવડી ફાંદ ગોર લટપટિયા |
ગોર કરોને ઉકેલ ગોર લટપટિયા મારે છેટાંની છે જાન ગોર લટપટિયા મારે થાય છે અહૂર ગોર લટપટિયા |
27.કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે |
જાનમાં તો આવ્યા મુનશી, એને બેસવા જોશે ખુરશી રેશમની ઝૂલવાળી ઝૂલવાળી રે કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે |
જાનમાં તો આવ્યાં મોટાં, દૂધે ભરી લાવો લોટા એલચી ને કેસરવાળા કેસરવાળા રે કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે |
જાનમાં તો આવ્યાં શેઠિયા, એને બેસવા જોશે તકીયા રેશમની ઝૂલવાળાં ઝૂલવાળા રે કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે |
જાનમાં તો આવ્યાં ગોરા, વેવાણ તમે આવો ઓરા જાનમાં તો આવ્યા બોરા, વેવાણ તમે લાવો દોરા સોનાના ઢાળવાળાં ઢાળવાળાં રે કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે |
28.કોઈ આપે સોના દાન, કોઈ આપે રૂપા દાન
કોઈ આપે સોના દાન, કોઈ આપે રૂપા દાન, કોઈ આપે દિકરીના દાન, જતન કરી સાચવજો, હૈ…. જતન કરી સાચવજો, |
અમારે તો રમેશભાઈ હૈયાના ભોળા, (પિતા) દઈ દિધા દિકરીના દાન, જતન કરી સાચવજો, હે…. જતન કરી સાચવજો, કોઈ…. |
અમારે તો.. અમારે તો નયના બેન મનડા ભોળા, (માતા) દઈ દિધા લાડકડીના દાન, જતન કરી સાચવજો, હે…. જતન કરી સાચવજો, કોઈ…. |
અમારે તો.. અમારે તો અશોકભાઈ દિલડા ભોળા, (કાકા) દઈ દિધા ભત્રીજીના દાન, જતન કરી સાચવજો, હે…. જતન કરી સાચવજો |
અમારે તો.. અમારે તો માધવભાઈ મોસાળુ લઈ આવ્યા, (મામા) દઈ દિધા ભાણેજડીના દાન, જતન કરી સાચવજો, હે…. જતન કરી સાચવજો, કોઈ…. |
29.નાણાવટી રે સાજન બેઠું માંડવે
નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે |
જેવા ભરી સભાના રાજા, એવા વરરાજાના દાદા નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે |
જેવી ફૂલડિયાંની વાડી, એવી વરરાજાની માડી નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે |
જેવા અતલસના તાકા, એવા વરરાજાના કાકા નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે |
જેવા લીલુડાં વનના આંબા, એવા વરરાજાના મામા નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે |
જેવા હાર કેરા હીરા, એવા વરરાજાના વીરા નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે |
જેવી ફૂલડિયાંની વેલી, એવી વરરાજાની બેની નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે |
30.રેલગાડી આવી મુંબઈનો માલ લાવી
રેલગાડી આવી મુંબઈનો માલ લાવી મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી |
રેલમાં ભર્યાં રીંગણા, જાનૈયા બધાં ઠીંગણા મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી |
રેલગાડી આવી મુંબઈનો માલ લાવી મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી |
રેલમાં ભર્યાં લોટા, જાનૈયા સાવ ખોટાં મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી |
રેલમાં ભર્યાં ચોખા, જાનૈયા બધાં બોખા મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી |
રેલમાં ભર્યાં લાકડાં, જાનૈયા બધાં માંકડા મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી |
રેલગાડી આવી મુંબઇનો માલ લાવી મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી. |
31.વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં હે સાસરિયામાં મ્હાલવું રે પિયરીયાથી છૂટાં પડ્યાં હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યા… |
મારા પગ કેરાં કડલાં રે વીરો મારો લેવા હાલ્યો હે વીરા લઇને વેલો આવજે રે સાસરિયા મારા ઘેરે બેઠા હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં… |
મારા હાથ કેરી ચૂડલી રે વીરો મારો લેવા હાલ્યો હે વીરા લઇને વેલો આવજે રે સાસરિયા મારા ઘેરે બેઠા હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં… |
મારી ડોક કેરો હારલો રે વીરો મારો લેવા હાલ્યો હે વીરા લઇને વેલો આવજે રે સાસરિયા મારા ઘેરે બેઠા હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં… |
મારા નાક કેરી નથણી રે વીરો મારો લેવા હાલ્યો હે વીરા લઇને વેલો આવજે રે સાસરિયા મારા ઘેરે બેઠા હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં…. |
વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં હવે સાસરિયે જાવું રે પિયરીયામાં મહાલી રહ્યાં હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં… |
32.વનરા તે વન માં મીંઢોળ જાજા
વનરા તે વન માં મીંઢોળ જાજા, મીંઢોળ પરણે ને ઝાડવા બાળકુંવારા |
હું તમને પુછુ મારા વીરા રે વિપુલભાઈ, આવડા તે લાડ તમને કોણે લડાવિયા દાદાજી ના તેડ્યા અમે શિમદેયરી આવિયા, આવડા રે લાડ અમને દાદા એ લડાવિયા. |
હું તમને પુછુ મારા વીરા વિપુલભાઈ, આવડા તે લાડ તમને કોણે લડાવિયા કાકાજી ના તેડ્યા અમે માંડવડે આવિયા, આવડા રે લાડ અમને કાકા એ લડાવિયા. |
હું તમને પુછુ મારા વીરા વિપુલભાઈ, આવડા તે લાડ તમને કોણે લડાવિયા મામાજી ના તેડ્યા અમે માયરા મા બેઠા, આવડા રે લાડ અમને મામા એ લડાવિયા. |
33.ઓઢી નવરંગ ચૂંદડી પાયે ઝાંઝરનો ઝમકાર
ઓઢી નવરંગ ચૂંદડી, પાયે ઝાંઝરનો ઝમકાર પાયે ઝાંઝરનો ઝમકાર માયરામાં ચાલે મલપતા, મલપતા, મલપતા |
ઓઢી નવરંગ ચૂંદડી, પાયે ઝાંઝરનો ઝમકાર પાયે ઝાંઝરનો ઝમકાર માયરામાં ચાલે મલપતા, મલપતા, મલપતા |
બેનીએ સાડી પહેરી છે સવા લાખની બેનીએ સેલું પહેર્યું છે સવા લાખનું તો ય બહેનીને પાનેતરનો શોખ, પાનેતરનો શોખ માયરામાં ચાલે મલપતી, મલપતી, મલપતી |
ઓઢી નવરંગ ચૂંદડી, પાયે ઝાંઝરનો ઝમકાર પાયે ઝાંઝરનો ઝમકાર માયરામાં ચાલે મલપતા, મલપતા, મલપતા |
બેનીએ પહોંચો પહેર્યો છે સવા લાખનો બેનીએ બંગડી પહેરી છે સવા લાખની તો ય બેનીને મીંઢળનો શોખ, બેનીને મીંઢળનો શોખ માયરામાં ચાલે મલપતી, મલપતી, મલપતી |
ઓઢી નવરંગ ચૂંદડી, પાયે ઝાંઝરનો ઝમકાર પાયે ઝાંઝરનો ઝમકાર માયરામાં ચાલે મલપતા, મલપતા, મલપતા |
બેનીએ દામણી પહેરી છે સવા લાખની બેનીએ દામણી પહેરી છે સવા લાખની તો ય બેનીને મોડીયાનો શોખ, બેનીને મોડીયાનો શોખ માયરામાં ચાલે મલપતી, મલપતી, મલપતી |
ઓઢી નવરંગ ચૂંદડી, પાયે ઝાંઝરનો ઝમકાર પાયે ઝાંઝરનો ઝમકાર માયરામાં ચાલે મલપતા, મલપતા, મલપતા |
બેનીએ નથડી પહેરી છે સવા લાખની બેનીએ હારલો પહેર્યો છે સવા લાખનો તો ય બેનીને વરમાળાનો શોખ, બેનીને વરમાળાનો શોખ માયરામાં ચાલે મલપતી, મલપતી, મલપતી |
ઓઢી નવરંગ ચૂંદડી, પાયે ઝાંઝરનો ઝમકાર પાયે ઝાંઝરનો ઝમકાર માયરામાં ચાલે મલપતા, મલપતા, મલપતા |
34.લાડો લાડી જમે રે કંસાર કંસાર કેવો ગળ્યો લાગે રે
લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે |
લાડી મુખે લજ્જા કેરો ભાર, કંસાર કેવો ગળ્યો લાગે રે વાતે વાતે હસે છે લગાર, કંસાર કેવો ગળ્યો લાગે રે |
લાડી તો સતી સીતા નાર કે કંસાર કેવો ગળ્યો લાગે રે લાડો રાજા રામનો અવતાર કે કંસાર કેવો ગળ્યો લાગે રે |
વેવાયું તો વટના રે પાન કે કંસાર કેવો ગળ્યો લાગે રે વેવાણુંને હરખ અપાર કે કંસાર કેવો ગળ્યો લાગે રે |
લાડીની ભાભી ટળવળે કે કંસાર કેવો ગળ્યો લાગે રે નણદી મુજને આંગલડી ચટાડ કંસાર કેવો ગળ્યો લાગે રે |
ભાભી તું તો પરણી કે કુંવારી કંસાર ગળ્યો ગળ્યો લાગે રે લાડો લાડી જમે રે કંસાર, કંસાર ગળ્યો ગળ્યો લાગે રે |
35.પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે
પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે ઊભા રહો તો માંગુ મારા દાદા પાસે શીખ રે |
હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ રે પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે ઊભા રહો તો માંગુ મારી માડી પાસે શીખ રે |
હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ રે પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે ઊભા રહો તો માંગુ મારા વીરા પાસે શીખ રે |
હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ રે પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે ઢોલીડાં ધડૂક્યાં રે લાડી ચડી બેસો ગાડે રે |
36.કન્યા વિદાય ગીત
સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે |
પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત |
પૈડું સીંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે શૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે |
જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે |
સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે |
37.રૂમ ઝૂમ પગલે આવી માયરામાં બેનડી
રૂમ-ઝૂમ પગલે આવી માયરામાં બેનડી કુમકુમ પગલે આવો માંડવામાં બેનડી ચાલે ઢળકતી ઢલડી રે… (2) આજે આવી મારી બેનડી રૂમઝૂમ પગલે……. |
પેયોર રાતો ચુડલોને ઓઢી રાતી ચૂંદડી સેંથી રે સીંદુર ભયુંર ને ભાલે કુમકુમ ટીલડી નમણી નાગર વેલડી રે (2) આજે આવી મારી બેનડી |
કંચન વર્ણા કંઠે કંકણ રણકે હાથે, નાજૂક પગલે ઝાંઝર રણકે છલકે આનંદથી હેલડી રે (2) આજે આવી મારી બેનડી…… |
38.આ દશ આ દશ પીપળો આ દશ દાદાનાં ખેતર
આ દશ આ દશ પીપળો, આ દશ દાદાનાં ખેતર દાદા મનજીભાઇ વળામણે, દિકરી ડાહ્યા થઈને રહેજો |
ભૂલજો અમ કેરી માયા, મનડાં વાળીને રહેજો સસરાના લાંબા ધૂંઘટા, સાસુને પાહોલે પડજો |
જેઠ દેખીને ઝીણાં બોલજો, જેઠાણીના વાદ ન વદજો નાનો દેરીડો લાડકો, એના તે હસવાં ખમજો |
નાની નણંદ જાશે સાસરે, એનાં માથાં રે ગૂંથજો માથાં ગૂંથીને સેંથાં પૂરજો, એને સાસરે વળાવજો |
આ દશ આ દશ પીપળો, આ દશ દાદાનાં ખેતર માતા વિજુબેન વળામણે, દિકરી ડાહ્યા થઈને રહેજો |
39.આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી શેરીએ વાજંતી જાય
આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી-શેરીએ વાજંતી જાય, દાદાને અતિ વહાલા બેન રે એ તો પરણીને સાસરિયે જાય, એક દિ રોકાઓ મારી દીકરી રે તમને આપું હું કાલે વિદાય, હવે કેમ રોકાઉં મારા દાદા રે સાથ મારો સાસરિયાનો જાય. |
આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી-શેરીએ વાજંતી જાય, વીરાને અતિ વહાલા અમીબેન રે એ તો પરણીને સાસરિયે જાય, એક દિ રોકાઓ મારી બેની રે તમને આપું હું કાલે વિદાય, હવે કેમ રોકાઉં મારા વીરા રે સાથ મારો સાસરિયાનો જાય. |
આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી-શેરીએ વાજંતી જાય. |
40.કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…. |
લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય, હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય, લીલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે….કોણ… |
એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા, બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ, પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો…..કોણ… |
આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય, મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે….. |
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે … બેનડી જુલે …ભઇલો ઝુલાવે ડાળખી. |
મંગલાષ્ટક ગુજરાતી માં
દામ્પત્યે પગલાભરી પ્રણય નાં ધર્મે પ્રિતી રાખજો આશિષો પ્રભુ ની સદા વરસજો કુર્યાત સદા મંગલમ્ |
જે જે સ્વપ્ન તમે રચ્યા જીવન માં તે સહુ પ્રભુ પૂરજો રિદ્ધિ સિદ્ધિ અનેક્ય પ્રાપ્ત કરી ને કુર્યાત સદા મંગલમ્ |
અગ્નિદેવ ની સાક્ષી એ કર પ્રયાણ પૂરી પ્રતિજ્ઞા કરી… યાત્રા આ સંસાર ની શરૂ કરો કુર્યાત સદા મંગલમ્ |
કન્યા છે કુળ દીપિકા ગુણવતી.. વિદ્યાવતી શ્રીમતી પહેરી ને પરિધાન મંગલ રૂડા કુર્યાત સદા મંગલમ્ |
કંઠે મંગળસુત્ર સુંદર દિસે મુકતાવલી ઉજ્વલમ્ આપો એ પ્રિય કન્યકા સુખ ઘણું… કુર્યાત સદા મંગલમ્ |
ઉરમાં ઉમંગો લઇ અતિઘણા પ્રભુતામાં પાડે પગલાં… એ પગલે સુખશાંતિ ને સમૃદ્ધિ કુર્યાત સદા મંગલમ્ |
સૌનીસાક્ષી એ સિંદૂર પૂર્યા સેથી એ જોડી અખંડ રાખજો અખંડ સૌભાગ્ય સદા રાખજો કુર્યાત સદા મંગલમ્ |
નવવધૂ ને, દીપાવજો કુળદેવી આશિષ દેજો અખંડ સૌભાગ્યનાં અમર.. રાખજો ચૂડી ને ચાંદલો કુર્યાત્ સદા મંગલમ્ (3) |
લગ્નગીત pdf અહીં થી મેળવો
નિષ્કર્ષ :
આ આર્ટિકલ માં ગણેશ સ્થાપન, મંડપ મુહૂર્ત ગીત, વરરાજાની જાન, બની બા ના ગીત, એક માતપિતા ની લાગણી, જાનૈયા ના ગીત, જાન આગમન ના ગીત, વિદાય ના ગીત, ફટાણા, પીઠી ના ગીત જેવા ઘણા બધા સુંદર ગીતનું અહીં વર્ણન કરવામાં આવેલ છે.
FAQ-
લગ્ન ગીત ગુજરાતી
આ આર્ટિકલ માં ગણેશ સ્થાપન, મંડપ મુહૂર્ત, વરરાજાની જાન, બની બા ના ગીત, એક માતપિતા ની લાગણી, જાનૈયા ના ગીત, જાન આગમન ના ગીત, વિદાય ના ગીત, ફટાણા, પીઠી ના ગીત જેવા ઘણા બધા સુંદર ગીતનું અહીં વર્ણન કરવામાં આવેલ છે.
નવા લગ્ન ગીત
– ઓઢી નવરંગ ચૂંદડી પાયે ઝાંઝરનો ઝમકાર
– એક સોળ વરસની છોકરીને અંબોડાનો શોખ
– કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે
–આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
– ગોર કરોને ઉકેલ ગોર લટપટિયા
– નાણાવટી રે સાજન બેઠું માંડવે
– રેલગાડી આવી મુંબઈનો માલ લાવી
જેવા અનેક નવા ગીત આ આર્ટિકલ પર મેળવો
દેશી લગ્ન ગીત
– વનરા તે વન માં મીંઢોળ જાજા
– આ દશ આ દશ પીપળો આ દશ દાદાનાં ખેતર
– કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
– પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે
– આંગણીયા સજાવો આજ તોરણ બંધાવો
– મારા નખના પરવાળા જેવી ચૂંદડી
જેવા અનેક નવા ગીત gujaratsahay.com પર થી મેળવો
પ્રાચીન લગ્ન ગીત
– પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા
– તને સાચવે સીતા સતી
– આંખો લૂછી લે બેની આજ ના રોવાય
– મોટા માંડવડા રોપાવો
– મહેલ ચણાવોને મેડી ચણાવો
– કોયલ બેઠી આંબલિયાની ડાળ
જેવા અનેક નવા ગીત gujaratsahay.com પર થી મેળવો
દીકરીના લગ્ન ગીત
– દાદે તે હસીને બોલાવિયાં
– મને રૂપાની ઝાંઝરી ઘડાવ, હો વાલમ વરણાગી
– ઉંચા ઉંચા બંગલા બનાવો
– સીતાને તોરણ રામ પધાર્યાં
– કન્યા વિદાય ગીત
જેવા અનેક નવા ગીત gujaratsahay.com પર થી મેળવો
લગ્ન ગીત ફટાણા
– રેલગાડી આવી મુંબઈનો માલ લાવી
– ગોર કરોને ઉકેલ ગોર લટપટિયા
– અમ્મારી બેની ને તમે કાઈ ના કેજો
જેવા અનેક નવા ગીત gujaratsahay.com પર થી મેળવો